4.43 - પેલાં આછેરાં વાદળ આવી ઊતરે છે ક્યાંય ! / રાજેન્દ્ર શાહ


પેલાં આછેરાં વાદળ આવી ઊતરે છે ક્યાંય !
પલમાં તડકો ને પલમાં વરસે રે છાંય !

મારો કદંબની ડાળે હાલર હીંચકો,
ઝૂલે પૂરવની પાળે,
ઝૂલે આથમણે આરે,
એ તો બેઉ રે બાજુના વાયુ વીંઝતો :
એ તો ગતની સંગાથ ગાય રે આગમની ઝાંય !
પલમાં તડકો ને પલમાં વરસે રે છાંય !

મારી નાની રે વાડીને ક્યારે વ્હાલસોયાં ફૂલ !
પરાગે પ્હેર્યા છે જાણે રેશમી દુફૂલ !
મારાં નયણાં ઉત્સવ રૂડો માણતાં,
ભૂલી પલ પલકાર,
જાય રે અલખને દ્વાર,
વળતાં સૂના રે હૈયાની ઊણપ આણતાં.
આ રે ફૂલની તે સોડ માંહીં સણકે છે શૂલ !
નાની રે વાડીને ક્યારે વ્હાલસોયાં ફૂલ !

હું તો એકને પામું ને અવર કાજ રે અધીર !
ઝૂલણો ઝૂલે રે બેઉ ક્ષિતિજને તીર !
જેને કાજ રે જીવન કેરી ચાહના,
ઓરાં રૂપ, ઓરો સૂર,
તોય દૂરનું યે દૂર,
પલમાં ગમતું ને પલમાં રે'વાય ના.
આ રે હોઠ બે હસે ને નયણાં નીતરે છે નીર !
ઝૂલણો ઝૂલે રે બેઉ ક્ષિતિજને તીર !

પેલાં આછેરા વાદળ આવી ઊતરે છે ક્યાંય !
પલમાં તડકો ને પલમાં વરસે રે છાંય !


0 comments


Leave comment