3.25 - ગીત ૪૪ આપણે આવળ બાવળ બોરડી / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


   મનુષ્યની શક્તિ ઘણી મર્યાદિત છે એ તથ્ય સ્વીકાર્યા પછી કવિ કહે છે કે જેને આત્મજ્ઞાન સિદ્ધ થાય છે તેને બધું જ સહજસિદ્ધ બને છે. ‘આપણે આવળ બાવળ બોરડી' જેવા નગણ્ય છીએ. આપણે ‘હલકાં તે પારેવાંની પાંખથી' તો ‘મહાદેવથી યે પણ મોટા' છીએ. આમ, મનુષ્યની લઘુતાના સ્વીકારની સાથે તેની મહત્તાનો પણ સ્વીકાર છે. આવી નિજની શક્તિઓને જાણવાનું-પારખવાનું આ ગીતમાં મહિમાગાન છે. માટે જ કવિ કહે છે : ‘આપણા ઘડવૈયા બાંધવ ! આપણે.’ આપણું ભવિષ્ય આપણા હાથમાં જ છે. આ વિચારની અહીં કાવ્યાત્મક અભિવ્યક્તિ છે.

   ‘અધીરા ઘટડાનો....પાય જી.’ - જેના દેહમાં આવ્યા આત્મા થનગની રહ્યો છે, જે કશુંક સાહસ કરવા તલપી રહ્યો છે તેને અણદીઠેલું પણ પગની નજીક આવીને પડે છે. સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

   ‘પંડની પેટીમાં...ભવંન જી.' - આ શરીરમાં જ આત્મા રૂપી પારસ છે. પારસના સ્પર્શે તો કથીરનાં પણ કુંદન બને. જે આ આત્મજ્ઞાનને પામી ગયો છે તે અનેરી સંપત્તિ પામે છે અને એના જીવનનું ભવન ઝળાંહળાં થઈ રહે છે. અહીં કવિએ આધ્યાત્મિક સિદ્ધિની પણ વાત કરી છે, પરંતુ જે આત્મજ્ઞાનને, નિજની શક્તિને, પિછાણતો નથી તે પોતાના ભાગ્યને દોષ દે છે અને નિરર્થક કર્મોમાં રચ્યોપચ્યો રહે છે.

કેસરઘોળ્યા-કેસરી રંગના, ગલના ગોટા-ગલગોટાના ફૂલ, વિમાસણે-ચિંતામાં, વેડે-વેડીને કેરીઓ ઉતારે, પારસ-પારસમણિ.


0 comments


Leave comment