44 - ઘરમાં મૃગજળ શોધી લે તું / અશરફ ડબાવાલા
ઘરમાં મૃગજળ શોધી લે તું,
મનની ફરતે દોડી લે તું.
પીડ પરાઈ તો જાણે છે;
તારા દુઃખને જોખી લે તું.
છાનીમાની વળી’તી જે,
ગાંઠ હવે એ છોડી લે તું.
તારાઓ રે’વા દે હમણાં,
બોર પહેલાં તોડી લે તું.
હાથ પડ્યા હેઠા તો શું છે ?
બે હાથોને જોડી લે તું.
કાળો નહિ તો કંકુ જેવો,
એક કામળો ઓઢી લે તું.
0 comments
Leave comment