77 - હવે / અશરફ ડબાવાલા


મને વિદાય આપવા
તત્પર થયેલાં એ બારીબારણાંઓને
ખબર નહિ હોય કે
હું જેમાં ઘર સમજીને પ્રવેશ્યો હતો
તેને
મકાન તરીકે છોડી શકું એમ નહતો.

બત્તી બુઝાવવા માફક
બધું ભૂલી જવાનું
મને સુચન હતું
અને
એને હાથમાં રાખીને
દોરી પર ચાલતા નટની જેમ
મારે આગળ વધવાનું હતું.

હવે
જયારે હું શ્વાસ નથી લઈ શકતો
ત્યારે મને ખબર પડે છે કે
બરફના રસ્તા પર
પગલાં રાખી જવાના
મારા પ્રયાસે
મને ઠંડા પાણીમાં ડુબાડી દીધો છે.


0 comments


Leave comment