61 - દ્રશ્ય થઈ દેખાય છે તેનાથી આગળ છે કશું / અશરફ ડબાવાલા
દ્રશ્ય થઈ દેખાય છે તેનાથી આગળ છે કશું,
આંખ આ અંજાય છે તેનાથી આગળ છે કશું.
એટલે ચુપચાપ બેઠો છું તમારા સાથમાં;
કાનમાં કે’વાય છે તેનાથી આગળ છે કશું.
તું પલળવાની હવે વ્યાખ્યાઓ બદલી નાખજે;
વાદળાં ઘેરાય છે તેનાથી આગળ છે કશું.
નામ એને તું મરણનું આપ કે સપનું કહે;
પાંપણો બિડાય છે તેનાથી આગળ છે કશું.
આમ નહિતર આ દશામાં કેમ દીવાના હસે !
પથ્થરો ફેંકાય છે તેનાથી આગળ છે કશું.
જય-પરાજયથી અલગ અંજામ તારો આવશે;
ખેલ જે ખેલાય છે તેનાથી આગળ છે કશું.
તું ગઝલના તાલ સાથે તાલ આપી જોઈ લે;
છંદ આ જળવાય છે તેનાથી આગળ છે કશું.
0 comments
Leave comment