14 - અસંગ / કંદર્પ ર. દેસાઈ


   સવારમાં આંખ ખુલતા હંમેશ જેમ હાથ બાજુમાં ફર્યો પણ તરત જ રોહિતની ગેરહાજરી અનુભવાઈ. એના શરીરની હૂંફ કે ટી-પોટમાંથી ઊઠતી સુગંધ –, માત્ર સવાર જ કેમ – દિવસ આખામાં ઠેકઠેકાણે એવી પળો સામે આવી ઊભી છે જ્યાં એ નથી – નો અહેસાસ થયો હોય. ડાઇનિંગ ટેબલના ફ્લાવરવાઝમાં હવે તાજાં ફૂલો નથી, ડ્રોઇંગરૂમના નોટિસબૉર્ડ પર કોઈ નવું દૃશ્ય નથી મુકાતું અને એક આ ફ્રેમ જેમાં અમારો, સહેજ આગળ હું ને એ પાછળ હોય તેવો છાતી સુધીનો બસ્ટ-ફોટોગ્રાફ છે. વળી વળીને નજર ત્યાં જાય છે. કૃતિ-અમીતનાં લગ્ન સમયે ખેંચાવેલો. સપ્તપદીના મંત્રોચ્ચાર ચાલતા હતા. સંજનાએ કહેલું, ‘તું અને રોહિત પણ આમ થોડું સાથે ચાલી લો.'

   મેં રોહિત સામે જોઈ એને જવાબ આપવા સૂચવેલું. હળવેથી એણે કહેલું, ‘શી જરૂર છે ? આમેય લગ્નની બધી શરતો અમે આ મંત્રો બોલ્યા વિના પૂરી કરીએ છીએ. હું બ્રેડ-બટર લાવું છું ને સાથે મળી પકાવીએ છીએ. બહુ પૈસાવાળો નથી એટલે નિતનવાં ઘરેણાંથી નહીં પણ મેકઅપમૅન છું એટલું રોજ નવી નવી રીતે એને શણગારી જોઉં છું. પૂછો એને !’

   ‘એકાદ બે શરત તો હુંય પૂરી કરું છું. એની મરજી વિરુદ્ધ ક્યાં કશું કર્યું છે ? એનાં સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી. માત્ર એ જ્યાં રાખે ત્યાં રહું એવું નથી, હું રહું છું ત્યાં એ રહે છે...’
   સામે કૃતિ અને અમીત એકબીજાના હાથ પકડી ઊભાં હતાં. મેં અને રોહિતે પણ હાથ મેળવ્યા. પરમ સુખની ક્ષણ હતી. પૂરેપૂરો વિશ્વાસ અને સંપૂર્ણ સલામતી, એ સિવાય ક્યાં કશું હતું ? ચાહ્યું તે બધું અમારી આ બે હથેળીની વચ્ચે હતું. લગ્ન નથી કર્યા તો શું થયું, ચાર માણસની હાજરીમાં મંત્રો નથી બોલાયા તો શું થયું, કાયદાનો એક થપ્પો નથી લાગ્યો તો શું થયું - એ સિવાય એક પુરુષ અને એક સ્ત્રીને સાથે રહેવાં જે જોઈએ તે બધું જ છે. પ્રેમ તો કદાચ બહુ પાછળની વસ્તુ છે. પહેલાં જોઈએ ભરોસો અને હૂંફ...

   આ હૂંફ, અહીંથી જ તો શરૂ થઈ હતી અમારી સહયાત્રા. રોહિત એકમેકઅપ આર્ટિસ્ટ છે. ટી.વી.ની દુનિયામાં છોટા-મોટા કલાકારોના ચહેરા રંગતાં રંગતાં મોટા પડદાનાં સપનાં જોતો, સંઘર્ષ કરતો. એની એવી વાતોમાં જ રસ પડતો. મારા માટે એ સાવ અલગ દુનિયા છે, રંગો, ચમકતા ચહેરા અને આભાસી વાસ્તવિકતા; મનમાં અજબની ઉત્ફુલ્લતા છવાતી. પહેલીવારનું મળવું, સામાન્ય સાધારણ હતું. બીજું, ત્રીજું, ચોથું – એક રાત્રે મલયને ત્યાં મોડું થતું હતું. આમ તો હું કંઈ ગભરાતી નથી પણ મલયને ત્યાં એટલી મોડી રાત્રે વાહન મળવું મુશ્કેલ હોય છે. કહે, ‘ચલો. મૂકી જાઉં છું.’ સારું લાગ્યું. અર્ધજાણ્યા પુરુષના ટુવ્હીલરની પાછલી સીટ પર, શરીરને તરતું બનાવી દે એવી ઝડપે જવાનું સારું લાગ્યું. પ્રસન્નતાનો વહેળો આમ શરૂ થયો. મેં કહ્યું, ‘કૉફી પીને જજો.’
   એ કહે છે, ‘એક કૉફી ઉધાર રહી.'

   પછી તો વારંવાર સાથે હોવાનું બનવા લાગ્યું. થોડી મારી જરૂરિયાત, થોડી એની. મને વાહન ચલાવતા ન'તું આવડતું. ક્યારેક ફેવર માંગી છે. એને સ્વાદિષ્ટ જમવાનો શોખ છે, જે પૂરો કર્યો છે. એને તબિયત હંમેશા સાથ નથી આપતી. સતત કૉસ્મેટિક્સના સંપર્કમાં રહેવાનું અને આ શહેરની ભેજવાળી હવા, ગમે ત્યારે અસ્થમાનો એટૅક આવી જતો.
   ‘લગ્ન કેમ નથી કરી લેતો ?’
   ‘લગ્ન ? એ લકઝરી મને પોષાય તેમ નથી.’
   ‘લકઝરી ? એ વળી, શું ?’
   ‘સાહ્યબી જ તો વળી ! મારી સ્થિર આવક નથી, મારે જે જોઈએ છે, કામ - તે મને હજી મળ્યું નથી. આ નાનીમોટી સિરિયલો – ના, હું એ માટે નથી. મારે સખત મહેનત કરવાની છે, એ માટે આ શહેર છોડીને હું જઈ ન શકું. બીજું કોઈ કામ કરતા તો આવડતું નથી અને આટલી આવકમાં હું મારી પત્નીને એ ન આપી શકું જે આપવા ઇચ્છું છું.’

   ‘શું આપવા ઇચ્છે છે ?’
   ‘હું-’ અચાનક એ અટકી ગયો. મને પૂછે છે – ‘તું જ કહેને, તું કેમ લગ્ન નથી કરતી ?’
   ‘તને લાગે છે કે મને સહન કરી શકે એવો કોઈ પુરુષ હશે ?’
   ‘એટલે ?’
   ‘હું જે પદ ઉપર છું. પ્રતિષ્ઠા અને આવક છે – સ્વસ્થતાથી; ઈર્ષાની, હીનતાની કે પુરુષ હોવાની લાગણી વિના માત્ર એક વ્યક્તિની જેમ મને સ્વીકારે કોણ ?’
   ‘એવું નથી, તું પુરુષો વિશે ઉદારતાથી નથી વિચારતી.’
   ‘ઉદારતાથી ? રોહિત, જે દિવસે કોઈ મળી જશે, વિચારીશ. ત્યાં સુધી આમ જ.’

   ‘તું ગાડી ચલાવતા કેમ નથી શીખતી ?’
   ‘કોણ શીખવાડે ? ડ્રાઇવીંગ સ્કૂલમાં જઈ શીખવાનો સમય હોતો નથી, બીજા કોઈને કહેવું ઠીક નથી લાગતું.'
   ‘કેમ – કંપની ઍક્ઝિક્યુટિવ હોવાનો અહમ્ આડો આવે છે ?’
   ‘ના, જરૂર હોય ત્યારે ડ્રાઇવર તો હોય છે જને !’
   ‘શીખવાડું ?’
 
   તાકી રહી એને. એ હળવું હસે છે પણ મઝાક નથી. એની આંખો ચમકે છે, તેમાં માત્ર આત્મવિશ્વાસ નથી, બીજાના સ્વાતંત્ર્યની ખેવના પણ છે. હું પણ મલકી રહી અને મેં હાથ લંબાવ્યો.

   કદાચ આ રીતે જ અમારું સાથે જીવવાનું શરૂ થયું. પોતાના ભરચક સમયમાંથી એકબીજા માટે સમય કાઢી લેવો, એકમેકને ગમતું કોઈક નાનકડું કામ કરી લેવું, થોડી દરકાર કરી લેવી કે.. બહુ શોખથી મેં એકવાર દહીંવડાં બનાવ્યાં. ફોન કરી બોલાવ્યો, તે છતાં મોડેથી એ આવ્યો. થાકેલો હતો. કહે, ‘બોલો શું કામ છે ?’
   ‘બોલો, કામ વગર માણસ આવી ના શકે – બોલાવી ના શકે !’
   ‘આજે બહુ થાકી ગયો છું.'
   ‘એમ ?’
   ‘હા, એટલું કામ, એક આસિસ્ટંટ ઓછો હોય એટલે જાતે બ્રશ હાથમાં લેવું પડે. ત્યાંથી છૂટ્યો ત્યારે હાશ થઈ, ઘરે જઈ નાહી ધોઈ સીધા સૂવા ભેગું....’
   ‘ઓહ ! એક કામ કર. અહીં જ નાહી લે, ગીઝરમાં પાણી હશે જ. તને થઈ રહે તેવાં બે ત્રણ ડ્રેસ તો નીકળી આવશે, એ શોધી કાઢું છું. મેં આજે તારા માટે ખાસ દહીંવડાં બનાવ્યાં છે તે....’
   ‘દહીંવડાં ?’
   ‘હા, કેમ ? કંઈ તકલીફ છે, નથી ભાવતાં કે એવું-’
   ‘ના, ના, નથી ભાવતા એવું નથી...’
   ‘તો ઠીક, કાલથી મહેનત કરું છું, દાળ પીસવી, દહીં જમાવવું...’ મારું ધ્યાન નથી કે એ એકદમ ચૂપ થઈ મને તાકી રહ્યો છે, ધ્યાન ગયું એટલે કહ્યું, ‘જાને ન્હાવા.'

   જમ્યા, થોડુંક સંગીત સાંભળ્યું, વાતો કરી, બીજા દિવસે ઑફ-ડે છે એટલે મોડે સુધી જાગવામાં વાંધો નથી. કહે, ‘ચલ થોડું ચાલતું હોય તો...’ બહાર નીકળતા હતા ત્યાં જ એને અસ્થમાનો હુમલો આવ્યો. બધું સુખ રગદોળાઈ ગયું. એટલું વળી, સારું કે બિલ્ડીંગમાં જ એક ડૉક્ટર ફેમિલી છે, તરત સારવાર મળી તે રાહત થઈ.
   ‘મારો જ વાંક, મને ખ્યાલ કેમ ન રહ્યો કે ખટાશથી દમ ચઢે, ને તુંયે કંઈ બોલ્યો નહીં ?’
   ‘ના, વાંક તો મારો કે મેં દવા સાથે ન રાખી; ને દહીંવડાથી જ થયું હશે એમ કેમ માની લેવાય –. મેં આજે એટલાં કૉસ્મેટિક્સ યુઝ કર્યાં છે તે એની પણ અસર હોય.'
   ‘તોય –'
   ‘તોય શું ?’

   એ મારી સામે તાકી રહ્યો છે, જવાબ માંગતો હોય એમ. ‘તોય શું ?’ મને અફસોસ થતો હતો, બતાવી દીધો, હવે શું ? શું મારે આશ્વસ્ત થવું છે ? મને કંઈ ખબર પડતી નથી એટલે ચીઢવાઉં છું, એને ગમ્મત થાય છે.
  
   એ પહેલી રાત હતી, જ્યારે અમે અમારા ઘરમાં સાથે હતાં. મોડે સુધી જાગ્યાં હતાં અને પછી ક્યારે આંખ મળી ગઈ એનો ખ્યાલ ન આવ્યો. આઠેક વાગે હળવા સ્પર્શ સાથે મને ‘બેડ-ટી' આપતાં એણે ગુડમોર્નિંગ કહ્યું હતું.

   એનું સાથે હોવું – હંમેશા તે સવાર જેવું સરસ તો નહતું રહ્યું. એને બધું ગોઠવાયેલું હોય તે ગમે છે જ્યારે મને મારી અવ્યવસ્થામાં જોઈતી વસ્તુઓ શોધી લેવી સરળ પડે છે. એ દિવસોમાં અમે વિધિસર સાથે રહેતાં ન હતાં. એ ઘરને સાફસૂફ કરી ગોઠવીને ગયો હોય, બેચાર દિવસે પાછો આવે તો બધી અવ્યવસ્થા રાબેતા મુજબ – ગુસ્સે થાય, ફાવે તેમ બોલે. મને આવું બધું સાંભળવાની ટેવ નથી, તો શું કામ સાંભળું ? ખરેખર તો એવા ઝઘડા પછી અમે છૂટાં જ પડી જવા જોઈતાં હતાં પણ તેમ થવાના બદલે વધુ ને વધુ સાથે રહેવાનું ગમતું. એકવાર મેં કહેલું,

   ‘રોહિત, જ્યારથી તને મળવાનું બન્યું છે, હું અત્યંત સભર છું, મને કશું ખૂટતું હોય એમ નથી લાગતું, મારા બધા અસંતોષ ઓગળી ગયા છે, એટલું સુખ અનુભવું છું કે...’
   એના લંબાવેલા હાથમાં મારી હથેળી સુરક્ષિત છે, મેં નિરાંત જીવે આંખ મીંચી.
   પણ સંજનાને મારી એ મીંચાયેલી આંખ સામે વાંધો હતો.
   ‘તું અને રોહિત સાથે રહો છો ?’ એકદમ ગુસ્સેથી મને મારી ઑફિસમાં દબડાવી રહી છે.
   ‘એવું નથી.’
   ‘તો પછી આ બધું હું શું સાંભળું છું તારા વિશે ? રોહિતની મકાનમાલકણે એને હાંકી કાઢ્યો છે અને પંદર દિવસથી તારે ત્યાં ધામા નાખ્યા છે...'
   ‘હા...’ એ દિવસોથી, બે અઠવાડિયાં તો ખરાં જ, મારા ઘરમાં રહે છે. પણ એણે તો મને વાત જ નથી કરી કે એને હાંકી કાઢવામાં આવ્યો છે ? થોડા સમય પહેલાં, એ જ્યાં પીજી તરીકે રહે છે ત્યાં બરોબર ફાવતું નથી એવું એણે કહેલું તે યાદ આવ્યું. તો...

   સંજના ચિંતામાં પડી છે, ‘હેં, અમીતા કશું આડુંઅવળું તો નથી કર્યુંને ! ને એમ હોય તોય જલદી છૂટી થઈ જા, એ રહ્યો ફિલમવાળો, એને કશી છોછ ન હોય પણ તારે તો તારી પ્રતિષ્ઠા જાળવવાની છે...’

   એ જે કંઈ બોલતી હોય તે, પણ મને તો રોહિતની ચિંતા છે. હું એને જવાનું કહીશ તો ક્યાં જશે એ ? આમ રહીને એણે પોતાનો હક્ક બતાવ્યો છે, એ અધિકારનું હું માન જાળવીશ, આખરે મિત્ર છું એની ! આવડો મોટો ફ્લેટ છે. કંપનીનો આપેલો; એને માટે જગ્યા છે જ છે. અને સમાજને શું છે ? બે ચાર દિવસ બોલીને એય પોતાની ગતમાં ચાલવા માંડશે. નક્કી કરું છું કે આ વિશે એક શબ્દ, ન કહીશ, ન પૂછીશ.
 
   મને સજાવવાનો એને શોખ થાય છે. ‘આમ લઘરાવેડાં શોભતાં નથી. કેવી સુંદર છે તું ? તો દેખાવ પણ એવો જ જોઈએ. તું ઍક્ઝિક્યુટિવ છે અને ઑર્ડિનરી ક્લાર્કની જેમ ઑફિસે જાય તે કેમ ચાલે ?’

   મારી હેર સ્ટાઇલથી માંડી મારા ડ્રેસની પેટર્ન સુધ્ધાં બદલી નાખી છે. એ મને ચાલવાની ઢબ પણ શીખવે છે અને બોલવામાં દમામ કેમ લાવવો તે સમજાવે છે. અરીસામાં જોઉં છું તો ચકિત !
   ‘આ કોણ, અમીતા છે ! મારું વ્યક્તિત્વ જ જાણે ખોવાઈ ગયું. હવે હું જે છું તે રોહિતની પસંદગીની.’
   ‘ના, રોહિતની નહીં. જે હોવી જોઈએ તે. મેં તો માત્ર તારામાં રહેલી શક્યતાને બહાર લાવી છે.’
   ‘જાણે છે રોહિત ? હું મારી કેરિયરથી સંતુષ્ટ નથી; મારી શક્તિઓનો પૂરો ઉપયોગ થયો નથી. જેટલું કામ કર્યું છે તેથી અનેકગણું કરી શકું. તક મળે તો વિદેશી કંપની સાથે સહયોગી કંપની પણ ઊભી કરું.' સહેજ અટકીને પૂછું છું !
   ‘આ વાત પણ કોઈ બહાર લાવશે કે...'

   એ ઝાંખો પડી ગયો, ‘જે તું જાણે છે એ કોઈ કેવી રીતે બહાર લાવી શકે ? એને માટે તો તારે જ મથવું પડે.'
   ‘હા, હું મથીશ, હું મારી નજરમાં કદી નીચી પડવા નથી માંગતી.’

   એ હાથમાં બ્રશ રમાડતો બેઠો છે, એમ જાણે આ વાત સાથે એને કશી લેવાદેવા નથી. થોડીવારે કહે, ‘લાવો મારી ફીસ અને થોડી બીજી રકમ.’ પ્રશ્નસૂચક જોઈ રહી એટલે કહે, ‘કેમ? તમને ઠીક કર્યા એમ આ ઘરને પણ ઠીક કરવું છે કે નહીં ?’
   ‘કંઈ ખરાબ નથી.’
   ‘એમ તો તુંય ખરાબ નહોતી; પણ હવે વધુ સારી છે. એમ આ ઘરનું પણ થશે. હું સાથે રહું છું તો બીજો તો શી રીતે તને ઉપયોગી થઉં ?’ હવે ચૂપ રહેવાનો મારો વારો છે.

   જોકે વાત માત્ર ઉપયોગી થવાની નથી. એકેએક વસ્તુ નવેસરથી ખરીદવાનું શરૂ થયું છે. પડદા-બેડશીટથી માંડી ફ્રીઝ ને ટીવી સુધ્ધાં. જૂનું બદલી નાંખીશું, નવું આવશે; અમારી મરજીનું. હા અમારી. – પણ એમ કંઈ જલદી મેળ નથી પડતો, ખાસ્સી રકઝક થાય છે ને નિર્ણયો લેવાય છે. ને પછી એકબીજાની મરજી એકમેકમાં ભળે છે.
   ‘દીવાલને રંગ નવેસરથી કરાવવો હોય તો જ આ બ્લ્યુ શેડ્ઝવાળી કર્ટન્સ લઈએ. બાકી અત્યારે જે છે એમાં પીસ્તા કલર જ શોભશે.'

   એક નોટિસબૉર્ડ બનાવીએ. રોજ રોજ એમાં આપણી પસંદનું કંઈ લખાય મુકાય. છેવટે ‘આજનું મેનુ’ એવું પણ ચીટકાવી શકાય.’
   આહ ! કેવું સુખ છે. આ નાની નાની વાતોમાં ! એક પછી એક આવેલી આ બધી વસ્તુઓમાં અમારા બેઉનો સ્પર્શ છે. કાચનાં શેન્ડેલીયર્સનાં બદલે વાંસની જાળીમાંથી ગળતો પ્રકાશ વધુ પોતીકો લાગે છે. આ પોતીકાપણું – ‘આ સુખ મેં આજ સુધી કેમ ખોયું ?’
   ‘મને પણ ક્યાં મળ્યું હતું ? આ સુખ રાહ જોતું હતું, આપણે મળીએ એની.' કહેતાં એણે સહેજ માથું મારા માથા સાથે ભટકાવ્યું.

   ઑફિસમાં જ એકવાર થોડા ઉબકા શરૂ થયા. મોં પાણી પાણી થઈ ગયું. પેટમાં વળ પડ્યા. કૅલેન્ડરમાં નજર કરી યાદ કર્યું. મહિનાની ઉપર કેટલાક દિવસો વીત્યાં છે. મેં ફોન ઉઠાવી ગાયનેકની એપૉઇન્ટમેન્ટ માંગી. બપોર પછી ત્યાંથી પાછા વળતા ખુશ હતી. ઘરે જઈ એ આવે અને કહું એટલી ધીરજ ન હતી એટલે સ્ટુડિયો પર જવાનું નક્કી કર્યું. આ પહેલીવાર જ એવું બન્યું કે એના કામની જગ્યાએ હું એને મળવા જતી હોઉં !

   જઈને જોઉં છું, તો શી વાત... ભારે વ્યસ્ત છે. સહાયકો પર હુકમ ચલાવતો, સલાહ આપતો, વરણાગી કરતી હીરોઈનને સમજાવતો - પૂરો ખીલેલો. એણે મને જોઈ, હસ્યો. સંકેતથી થોડીવાર થોભવા કહ્યું ને પછી પાછો પોતાના કામમાં વ્યસ્ત. રાહ જોઉં છું, થોડો રસ પણ પડે છે. ટી.વી સિરિયલ છે તો ય ગ્લેમર ઓછું નથી. કેટલો સમય વીત્યો ? મારા ઉત્સાહ ઠંડો પડવા આવ્યો છે. હું હાજર છું અને છતાં એ મને એટેન્ડ નથી કરી શકતો કેમકે એનું કામ એવું છે ! પછી યાદ આવ્યું કે એ શા માટે લગ્ન નથી કરતો, બાળકો-પત્નીને સંભાળી શકે, સાચવી શકે એટલો સમય કે પૈસો નથી તો પછી આ, એને કહેવું કે નહીં ? અને જો ન કહું તો જવાબદારી મારે એકલાએ ઉઠાવવાની થાય કે... જો એમ થાય તો એને ખબર પડે જ અને એ જોડાયા વિના રહી શકશે ? બધું એકનું એક...

   ગૂંગળામણ થઈ આવી. ઘરે ચાલી આવી. આ કઈ જાતનો સંબંધ ? મોકળા મને વાત પણ નથી કરી શકતી કે પૂછી પણ નથી શકતી કે નથી કોઈ જવાબદારી એના ઉપર ઢોળી શકતી ? હક્ક છે પણ ખરો અને નથીય. સંબંધનો બોજો વર્તાયો હોય એમ એકદમ થાકી ગઈ. બે દિવસ એમ જ વીત્યા પછી ભાર હળવો કરી આવી. તે દિવસે સંજના પાસે ચાલી ગઈ. એને વાત કરી તો એ ઠપકાભરી નજરે જોઈ રહી.

   ‘તારે એને વાત કરવી જોઈતી હતી.’
    મેં માથું ધુણાવ્યું. ‘સંજના, તું સુખી છે કે તને અશેષ મળ્યો છે. હું નક્કી નથી કરી શકતી કે આ અમારો સ્વભાવ છે એટલે કે આ સંબંધને લીધે -'
   ‘શું આ સિવાય પણ બીજી કોઈ તકલીફ છે ?’
   ‘એને સમસ્યા કહેવાય છે કે કેમ તે ખબર નથી. પણ અમે કેટલીક વાતોમાં સાફ સાફ ચર્ચા નથી કરી શકતાં. પહેલાં જે નિખાલસતાથી કહેવાતું તે હવે એકમેકને દુઃખ પહોંચશે કે સ્વતંત્રતા છીનવાશે કે – એવા કોઈ ને કોઈ ભયે અટકી જવાય છે. એકબીજાં વિના ચાલતું નથી. એટલે જાણે ખોઈ બેસવાનો ડર હોય એમ –'
   ‘તમારે લગ્ન કરી લેવાં જોઈએ.’
   ‘તો... ; સમસ્યા હલ થઈ જશે ? કૃતિ અને અમીતનાં લગ્ન થયાં હતાં પણ કેવાં ઝડપથી, નાનીનાની વાતોને લઈ છૂટાં પડી ગયાં ?’
   ‘સામો મારો દાખલો મૂક. મારી કેરિયરનો પ્રોગ્રેસ ન અટકે એટલા માટે અશેષ પોતાની નોકરી મૂકી, ધંધો કરવાનું જોખમ સ્વીકાર્યું.'
   'કેમકે તમારી વચ્ચે ખુલાસીને વાતો થાય છે.'
   ‘તો તું પણ રોહિત સાથે વાતો કર.’
   ‘પણ....' મેં વળી, માથું ધુણાવ્યું.

   અઠવાડિયા પછી એક સાંજે કૉફી પીતાં બેઠાં હતાં ત્યારે અચાનક એણે પૂછ્યું, ‘તે દિવસે સ્ટુડિયોમાં કેમ આવી હતી ? કંઈ કામ હતું ?’
   આજે આટલા દિવસે...? થોડું દુઃખ થયું પણ હસવું આવ્યું. હાથ અનાયાસ પેટ ઉપર ગયો.
   ‘ના, એમ જ. કોઈ દિવસ તને કામ કરતો જોયો ન હતો એટલે...’
   ‘કેમ કેવું લાગ્યું ?’
   ‘સારું, તને ગમે, મઝા આવે એટલે સારું જને !’
   ‘જો સાંભળ, મને એક ફિલ્મની ઑફર મળે તેમ છે...’
   ‘ફિલ્મની ?’
   ‘હા, ઇટ્સ બુસ્ટર ટુ મી. સાઉથની છે પણ શું વાંધો ? આપણે તો કામથી મતલબ છે.’
   ‘આપણે એક પાર્ટી આપીશું.’
   ‘હા, પણ જો હમણાં કોઈને ન કહીશ.’

   એની સફળતા એ મારી પણ છે એ મેં પાર્ટીના દિવસે જોયું. મારા અને એનાં મિત્રો, થોડાંક પ્રોફેશનલ્સ વચ્ચે હું જાણે એનો હિસ્સો હોઉં એમ મેં અનુભવ્યું. અવિધિસર તો તેમ પણ આ અમારા સંબંધની સ્વીકૃતિ હતી. મારી તરફથી, એના તરફથી અને અમે જીવતાં હતાં એ સમાજ તરફથી. એકક્ષણ સવાલ થયો, મેં ક્યાંક ઉતાવળ તો નહોતી કરીને, એને વાત ન કરીને ?

   એ ખુશ છે. ખરી સંતુષ્ટિ એને આ દિવસોમાં મળી છે. પોતાના કામની વાતો કરતા થાકતો નથી. આજે આમ થયું, આજે આને મળ્યો, તેને ફલાણું... ખરેખર તો મને રસ નથી પડતો પણ કોશિશ જરૂર કરું છું. મને, મારી ઑફિસમાં ચાલતા પ્રોબલેમ્સ નડી રહ્યા છે. કાં છોડી દઉં અથવા શરણે જઉં. જો એમ શરણે થઈશ તો આ અવાજમાં જે દમામ આવ્યો છે તે ખોખલો થઈ રહેશે. તો....? એને વાત કરું છું.
   ‘શું કરું ?’
   ‘શેનું ?’
   મેં જે વાતો કરી તે એને નથી સમજાઈ ? ‘આ મારું કામ ? ચાલું રાખું કે...'
   ‘મને એમાં શી સમજ પડે ? તને ઠીક લાગે એમ કર.’
   ‘પછી આ ફ્લેટ, ગાડી, ફોન – બધું જતું રહેશે. નવી જોબ ના મળે ત્યાં સુધી કોઈ નાની જગ્યા ભાડે લેવી પડશે અને...’
 
   હું રાહ જોઉં છું, એ કંઈ બોલે. મારે સાંભળવું છે, ‘છોડી દે, હું છુંને !’ પણ સામેથી કશો પડઘો નથી પડતો. એ પોતાની ધૂન ચલાવે છે.
   ‘આજે સેટ પર બીજા એક દિગ્દર્શકને મળવાનું બન્યું. એમને પણ મારું કામ ગમ્યું. પોતાના નવા પ્રોજેક્ટમાં કામ આપવાનું કહેતા હતા. બરોબરને ? હવે હું પ્રાઈઝ મારી મરજી મુજબ લઈ શકીશ.’

   મારા કાન ચમક્યા, આ જે બોલે છે તે હું સાંભળવા માંગું છું તે તો નથી ને ? તો એ સાફ સાફ કેમ નથી કહેતો ? મનમાં માઠું લાગ્યું છે. ઓ.કે. મારી સમસ્યા છે. હું જ ઉકેલીશ.

   ઉકેલ મળ્યો પણ ખરો. મારા કોન્ટેક્સનો ઉપયોગ કર્યો અને ત્યાં કામ કરવાની મારી ઈચ્છા છે તેમ જણાવ્યું. જો મારા હાથમાં કોઈ સારો વિકલ્પ હોય તો તે ઑફિસની લડાઈમાં ઉપયોગી થાય. મારી જરૂર હશે તો મારી શરતે રહેવા મળશે અને જો તેમ ન હોય તો – એમ અનિચ્છાએ કામ કરવાની શી મઝા ? એક મલ્ટિનેશનલની ઑફર મારા માટે ફાયદાકારક હતી. આ શહેર છોડવું પડે પણ કોઈનીય દખલ વિના કામ કરવા મળશે. ઑફર ઉપર વિચારવા પૂરતો સમય છે. ખુશ થતી ઘરે આવું છું. રોહિતને વાત કરીશ કે હવે હું મારી લડાઈ બરોબર લડી શકીશ અને મારે આત્મસન્માન પણ નહીં ખોવું પડે.

   પણ એ નથી, આવશે મોડેથી ત્યારે વાત. નથી આવ્યો. આન્સરીંગ મશીન પર કોઈ મેસેજ મૂક્યો હશે ? આ સંજનાનો...; આ એના માટે, એક મેસેજ નવી જોબને લગતો, એક બીજો ઑફિસેથી... પણ ના રોહિતનો કોઈ મેસેજ નથી. એમ કેમ બને ? મોડું થવાનું હોય તો જાણ કરે જ, નોટિસબોર્ડ પણ ખાલી છે, ભૂલી ગયો હશે ? ઉતાવળ હશે ? બધા મેસેજ રિપીટ કરું છું. ક્યાંક એણે તો... મારા આવતાં પહેલાં આવ્યો હોય અને આ મેસેજ સાંભળ્યા હોય એમ બન્યું હશે ? તો.. શું થયું ? મારી સાથે કશીક વાત તો કરવી જોઈએને ? આમ ચોરની જેમ... ના ના, એવું ન હોય. મનમાં આવતી અશુભ આશંકાને ખંખેરી નાંખું છું. સૂવાની કોશિશ કરું છું.

   બીજો દિવસ. ત્રીજો... હજુ રોહિત ઘરે નથી આવ્યો ! આવું પહેલાં પણ બન્યું છે પણ તે દરેક વખતે ફોન કે મેસેજ કે... કોઈને કોઈ રીતે વિગતો મળી જ હોય કે એ ક્યાં છે, કેટલા દિવસ માટે. આ પહેલીવાર... એના યુનિટ પર પણ કાલે તપાસ કરી લીધી. પણ ત્યાં કશી સૂચના નથી. હા, બે દિવસ પછી આઉટડોર પર જવાનાં છે. સામેથી પૂછે છે,
   ‘એ પહેલાં તો રોહિત આવી જશેને ?’
   ‘હા’ કહી ફોન મૂકું છું.

   આમ કહ્યા વિના ચાલ્યા જવું... ના, રોહિત ચાલી નથી ગયો, કોઈ કામસર બહાર ગયો છે અને પાછો આવશે. સહેજ સલામતી અને હાશકારા જેવું લાગ્યું. પોલીશ કરેલા નખ તરફ જોયું. ડાર્ક વાયોલેટ રંગ એની પસંદગીનો. પોતાના હાથે પેઇન્ટ કરતા બોલેલો. ‘તારી ઊજળી આંગળી પર કેવો સરસ શોભે છે !’

   એ છે જ એવો. મનમાં આવે તે બધું કરવા જોઈએ. એટલે તો આ રીતે જીવી શક્યાં. નહીં તો વળી, પાછું મન કંપી ગયું. એ કંપ શરીરમાં પણ પ્રસર્યો. બધું આટલું જલદી ખતમ થઈ જશે ? એ નથી. હવે શું કરી શકાય ? બધું જાણે ખાલી થઈ ગયું. મન ઊંડા કૂવાની ફાટ જેમ ઊંડે ને ઊડે ઊતરવા લાગ્યું. બળ કરીને જાતને બહાર કાઢી.

   ના, હિંમત નહીં હારું. મળીશ, અમારા મિત્રોને મળીશ અને એની ભાળ કાઢીશ. આખરે એ પણ એની કશુંક છે અને આમ છૂટાં પડી જવા માટે તો એની સાથે નહોતી જ રહી.
   ટૅક્સી પકડી મલયને ત્યાં પહોંચી. પથ્થર જેવું મોં બનાવી સામે બેઠો છે. ખાસ કોઈ વાતો નહીં. અહીં જ અમે પહેલીવાર મળ્યાં હતાં ! અચાનક એ પૂછે છે, ‘આ શહેર છોડીને તારે જવું જ છે તો શું કામ એને શોધવા નીકળી છે ?’ ‘મારે ક્યાં છોડવું છે આ શહેર ? બોલ બોલ એ ક્યાં છે ?’ હવે એ જવાબ નથી આપતો. મારા માટેની નફરત જોઈ શકું છું. પણ શું કરું હું ? મેં એને ચાલ્યા જવાનું કહ્યું હતું ? ખાલી સમય વીત્યા કરે છે. આ જાણે છે પણ નહીં કહે. તો અહીં બેસીને શું ? બીજી ટૅક્સી, ત્રીજી... પછી – કોઈ ફાયદો નથી. કશા સમાચાર કોઈની પાસે નથી. રાતોરાત આ શહેરમાંથી રોહિત નામની વ્યક્તિ અલોપ થઈ ગઈ. કોઈ તો મેણાં પણ મારે છે : ‘ચાર દિવસ થઈ ગયા ને તું આજે અડધી રાતે ખોળવા નીકળી છે ? ખરી છે !'

   ‘રોહિત – એને જોયે તો ખાસ્સો સમય વીત્યો. તુંય ક્યાં દેખાતી હતી ?’
   જઈ શકાય, પૂછી શકાય એમ હતું ત્યાં બધે ફરી વળી. હવે ક્યાં જઈ શકાય ? પાછા ઘરે. પણ એ હવે ઘર છે ખરું ? ઘડિયાળમાં જોઉં છું. સાડાત્રણ. થોડીવાર પછી છાપાંના ફેરિયા નીકળશે, કદાચ દૂધવાળા પણ; વહેલી સવારની શિફ્ટના કારીગરો. એક નવા દિવસની શરૂઆત. પણ પોતે કદાચ આ અડધી રાતમાં જ રહી જશે. થાકી ગઈ છું સાવ. સંજનાએ રોકાવા કહ્યું હતું. પણ એનું સાંભળ્યું ના સાંભળ્યું કરીને ચાલતી રહી, ચાલતી રહી સડકો ઉપર. મનની સાથે સાથે શરીર પણ તૂટી પડ્યું છે. ઢગલો થઈને, એક બંધાતી ઇમારત આગળ બેસી પડી. ઈંટોનાં રોડાં પડ્યાં છે. કોંક્રીટનું માળખું તૈયાર છે પણ દીવાલો નથી ચણાઈ. આંખો બંધ કરી તો અંગારા જેમ બળવા લાગી. આ શું ? પોતે રડે છે... ના ભીતર જે સળગે છે તે આંખ વાટે બહાર આવવા મથે છે. એ અહીં જ બેસી રહેશે, રોહિત આવશે અને એને લઈ જશે તો જશે. પણ એ આવશે કેવી રીતે ? અજવાળું વધી રહ્યું છે. ખાલી રસ્તો ઊભરાવા માંડ્યો છે. આમ અધવચ્ચે ઊભી રહેવાથી હું કેવી વિચિત્ર દેખાતી હોઈશ, એવો જરાતરા વિચાર આવ્યો ને બુઝાઈ ગયો. અચાનક એક મોટર સાઇકલ ત્યાં આવીને ઊભી, ધૂળ ઊડી, શરીર-મોં બધું ધૂળ ધૂળ. સ્વસ્થ થઈ સામે જોયું. મઝાક કરતો હોય એમ મોટર સાઇકલિસ્ટ તાકી રહ્યો છે. મકાન સામે જોયું, અધૂરી ઇમારતમાં દિવસોથી કામ થયું નથી, એમ જ છોડી દેવાયું હશે ?

   વળી, એકવાર સ્ટુડિયો પર ફોન કરું છું.
   ‘તમારે મેકઅપમેનની જરૂર છે ? રોહિતે છોડી દીધું છે એમ સાંભળ્યું એટલે...’
   ‘ના. અમારું યુનિટ તો આઉટડોર પર છે. અને કામ...'

   ફોન મૂકી દીધો. તો.. આ બધું જાણી બુઝીને. લગ્ન કર્યાં હોત તો આટલી જલદી છોડીને જઈ શકત ? કેમ ખબર પડે... કૃતિ કહેતી હતી કે... સારું થયું; છૂટાં પડી જવાયું. મકાનની એક ચાવી હજી એની પાસે પણ છે. કદાચ....

   ટૅક્સી રોકું છું અને ઘરે આવવા નીકળું છું... પણ આ ઘર શું મને પહેલાં જેમ સુરક્ષા આપી શકશે ?
[‘ખેવના’ ડિસેમ્બર, ૧૯૯૯]


0 comments


Leave comment