34 - તૃષાને માપવા રણના મલકથી વિસ્તરીને જો / અશરફ ડબાવાલા
તૃષાને માપવા રણના મલકથી વિસ્તરીને જો;
હૃદયને તું હથેળીના ખડકથી વિસ્તરીને જો;
હજારો દ્રશ્ય તેં જોયાં, હજારો સ્વપ્નો તેં જોયાં;
હવે આંખો જરા મીંચી પલકથી વિસ્તરીને જો.
તને એનું નગર તારી નજર સામે જ દેખાશે;
કદી તું નેજવાંઓમાં સડકથી વિસ્તરીને જો.
હતો આવેગ ધસમસતો અને પ્રસ્તાવ ખરબચડો;
પદારથ પ્રેમનો સઘળા ઘટકથી વિસ્તરીને જો.
નવું એક વિશ્વ આવીને ચરણમાં ટપ દઈ પડશે;
અરે ! પાંખો જરા ભૂલી ફલકથી વિસ્તરીને જો.
0 comments
Leave comment