47 - મન દ્વારેથી પાછું વળવાની અણી પર / અશરફ ડબાવાલા
મન દ્વારેથી પાછું વળવાની અણી પર,
હાથો છે તને ફૂલો ધરવાની અણી પર.
તત્પર થયો છે ઈશ્વર પથ્થરથી પ્રકટવા;
ને લોકો નવો ઈશ્વર ઘડવાની અણી પર.
આવીને જો અસત્ય બચાવે તો એ બચે;
છે સત્ય અહી, શૂળીએ ચડવાની અણી પર.
આતુર હતાં કેવાં એ તોફાન થવાને !
હું પણ તો હતો દરિયો તરવાની અણી પર.
આખું આ જીવન જેને તમે શોધતા હતા,
અશરફ તમે છો એને જડવાની અણી પર.
0 comments
Leave comment