1 - ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે / અશરફ ડબાવાલા
ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.
ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં;
એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.
ડગલું એક ભરી શકવાના હોંશ નથી, પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.
ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને -
મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.
શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો;
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.
0 comments
Leave comment