૭૯ - SCHIZOPHRENIA / અશરફ ડબાવાલા


ડાક્ટર!
તમારી વાત હાવ હાચી છે
મને schizophrenia થ્યો છે
પણ ઇ ક્યો ને કોને નથી થ્યો ?
તમે કયો છો કે
મારો ને reality વચ્ચેનો પુલ તૂટી ગ્યો છે
પણ બાપુ ! એના તો પૈસા છે !
બે ઘડી realityને પછવાડે
ચૂસકી મારીને જોઈ લ્યો કેવો ટેસ પડે છે !

તમે હાચું કીધું કે
મને paranoia થાય છે
ને એટલે જ મને લાગે છે કે
કોઈ મારો પીછો કરે છે.
પણ ડાક્ટર !
આ દેશેદેશ ને ગામેગામના
એક્કેએક ટોળાને લાગે છે કે
એની પાછળ બીજું ટોળું પડ્યું છે.

તમારી ઇ વાત હો ટકાની કે
હું ‘thought insertion’ થી પીડાઉં છું.
એટલે મારા મનમાં વિચારો આવતા નથી,
પણ કોઈ મૂકી જાય છે એવું લાગે છે.
પણ એમ તો આ હંધાય ક્યે છે કે
ઈ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ.

એય કબૂલ કે
હું ‘feeling of passivity’ થી ઘેરાયો છું,

ને એટલે
મને કોઈ control કરતું હોય એવું લાગે છે
પણ આ હંધાય સદીયુંથી કીધે રાખે છે
‘એની ઈચ્છા વગર એક પાંદડુંય હલતું નથી’
ઈ ડાહ્યાઉને કાંક ક્યોને !

ને એક ખાનગી વાત કરી દઉં ?
મેં તો ક્યારનોય suicide કરી નાખ્યો હોત,
પણ મારે હજી ઓલાં ફૂલ ચીતરવાનાં બાકી છે.
ઈ પહેલાં મરવું નથી.
મને નજરે તરે છે ઈ ફૂલોનો રંગ.
રોજ દુકાને દુકાને જઈને શોધું છું ઈ રંગ,
પણ ક્યાંય મળતો નથી.
જે દી ઈ રંગ મળી જાશેને.
તે દી મારી પર ફેંકાયેલા પથ્થરે પથ્થર પર
ઈ ફૂલો ચીતરીને પછી
મારા પેટ પર
ડહાપણની ઘંટીનું પડ બાંધી
હું ભૂસકો મારીશ
realityના દરિયામાં.


0 comments


Leave comment