54 - પળ પળ છે ફાગણના વેશે / અશરફ ડબાવાલા
પળ પળ છે ફાગણના વેશે,
જગ પામ્યા એક જણના વેશે.
આભ સુધી જાવું’તું, તેથી
પવન અડ્યા રજકણના વેશે.
શ્રધ્ધાનું પંખી ભોળું ને –
તર્ક હતો ગોફણના વેશે.
ક્યાં જઈ શરમ છુપાવે રાધા ?
શ્યામ બધે દર્પણના વેશે.
એ કંઈ હાથ નહીં લંબાવે;
સાહિબ છે માગણના વેશે.
ઝાકળની અલમારી અંદર,
તરસ હતી થાપણના વેશે.
પગલાંમાં હું તપ લૈ બેઠો;
તું પ્રકટ્યો અડચણના વેશે.
0 comments
Leave comment