17 - હલચલ મચી છે એનાં ઉદ્દભવની વાત કરજે / અશરફ ડબાવાલા


હલચલ મચી છે એનાં ઉદ્દભવની વાત કરજે,
પગની તો નહિ પણ તું પગરવની વાત કરજે.

તોરણને ઉતારીને, આંખોને જરા લૂછી;
માંડીને પછી આસોપાલવની વાત કરજે.

કોઈ જો તમને પૂછે ઈશ્વર કે સ્વયં વિષે;
શંકાઓ તજી દઈને સંભવની વાત કરજે.

ખોવાઈ જતી લાગે ટોળામાં વાંસળી, તો –
મન પાસે જરા થોભી માધવની વાત કરજે.

અશરફ ગઝલના ભાવો પંડિત તો શું સમજશે ?
એને છટા ને કાં તો લાઘવની વાત કરજે.


0 comments


Leave comment