68 - લ્યો ફરી લવારો લઈને બેઠાં અમે ટેરવા પર / અશરફ ડબાવાલા


લ્યો ફરી લવારો લઈને બેઠાં અમે ટેરવા પર,

ખડિયા એ કીધું કે જા તું ઘેર ઘેર લે ભટકી,
ચપટીક શાહી લાવ કે જેની કલમ કદી ના અટકી;
રખડી રઝળી સાથે લાવ્યા ટહુકાની ઝરમર.
..... લ્યો ફરી...

અમે થયા’તા મૂંગામંતર મૂઠ મારી’તી કોણે ?
ઢોલ લઈને અડધે આવ્યા ડૂસકું થઈ ગ્યા પોણે;
એક પડ્યું પીંછું એકાંતે અને થઈ હરફર.
..... લ્યો ફરી...

અમે દોડવા થયા અધીરા મૂકી તાલીઓ સાત,
તમે હોઠ ભીડ્યા ને ભીડી સાંકળ જેવી જાત;
હવે માંડીએ સાચો કજિયો રમી લીધું ઘરઘર.
..... લ્યો ફરી...


0 comments


Leave comment