29 - ફૂલ સમી યાદોને હળવે અડવામાં થૈ જોવા જેવી / અશરફ ડબાવાલા


ફૂલ સમી યાદોને હળવે અડવામાં થૈ જોવા જેવી;
હાથ ઘવાયા ત્યારે પાછી લખવામાં થૈ જોવા જેવી.

લીલીછમ મોસમની વચમાં પાન થઈને ડાળે ઊગી,
ઝાડ ઉપર લહેરાયા એવું, ખરવામાં થૈ જોવા જેવી.

મંતર છોડી, મન મૂકીને પહોંચ્યા જયારે પથ્થર પાસે;
ત્યારે તારું રૂપ અજાણ્યું ઘડવામાં થૈ જોવા જેવી.

સંત તરીકે હાટ અમારી જો ના જામી તો છેવટમાં,
જાદૂગર થૈને લોકોને છળવામાં થૈ જોવા જેવી.

રણમેદાનો જીતી પાછા ઘેર પધાર્યા અશરફ, ત્યારે –
ભીંતો ને ભીતરની સાથે લડવામાં થૈ જોવા જેવી.


0 comments


Leave comment