84 - એક પ્રવાસીનું કાવ્ય / અશરફ ડબાવાલા


ઍમેઝોનનાં જંગલોમાં
ખોવાઈ જવા તો હુંય નીકળી પડું,
પણ
હજી હું
હથેળીનાં અડાબીડ વિસ્મયોમાંથી જ
બહાર નથી આવી શક્યો.
અડગતા અને પતનની વચ્ચે
ક્યાંક
પીઝાના મિનારાની જેમ
પડું પડું થતી મારી માન્યતાઓને
વળગીને ઊભો છું
એમ ધારીને કે
કદાચ
તારી અને મારી વચ્ચે જે ચીનની દીવાલ
રાતોરાત ચણાઈ ગઈ છે
તેને ભેદીને તું
ગમે ત્યારે આવી ચડીશ.
મારા મનના એફિલ ટાવરમાં
મેં થોડી ક્ષણો સાચવી રાખી છે.
ક્યારેક એને
મારી બુલંદીથી છુટ્ટી મૂકી
નાયગ્રાની જેમ વહાવીને
દુનિયાને મારાં સંવેદનોનો
અહેસાસ કરાવવાની ઇચ્છા થાય છે,
પણ
જમનાકિનારે ચાંદનીમાં
પ્રવાસોઓની અવરજવર તળે
દટાઈ ગયેલી
મુમતાજ મને રોકે છે.
હવે
વિકલ્પોની પીંજણમાં પડવું નથી
એટલે
હું
સમયે ચણેલા પિરામિડમાં
આપણા સંબંધના મમી પાસે
બેસી રહીશ
છેલ્લા શ્વાસ સુધી
એ સળવળશે
એની આશા સાથે.


0 comments


Leave comment