30 - ઊંડે જઈને આમ તું તળને રમત સમજ મા / અશરફ ડબાવાલા


ઊંડે જઈને આમ તું તળને રમત સમજ મા,
ડૂબી જવાતું હોય છે, જળને રમત સમજ મા.

જીતી જવા કે હારવા જેવું નથી સરળ આ,
તું બે હૃદયને ખેંચતા બળને રમત સમજ મા.

જે ઝાડવાના છાંયડે બેઠો છો ખોઈ ઇચ્છા,
એ ઝાડવાને આવતા ફળને રમત સમજ મા.

એ પણ બને ઘડિયાળનાં કાંટેય ફૂલ ઊગે,
સંભાવનાની કોઈ પણ પળને રમત સમજ મા.

શમણાંની વચ્ચે જીવને મૂકી જવું પડે છે;
ધબકારને આ શ્વાસના છળને રમત સમજ મા.


0 comments


Leave comment