73 - ક્યા કવિના રામજી એ દોરી અમથી લીંટી / અશરફ ડબાવાલા


ક્યા કવિના રામજી એ દોરી અમથી લીંટી,
કલકલ કલકલ પંખી થૈ ગૈ ઘરની સઘળી ખીંટી.

ક્યા કવિને ઘેર પધાર્યા અક્ષરજી મહારાજ,
રોમ રોમ છે મંજીરા ને આંગળીઓ પખવાજ.

શબ્દોને કંકુથી પોંખી બેસાડો બાજોઠે,
કાગળિયાની અંદર ઝળહળ દીવા બત્રીસ કોઠે.

શાહી મળસકું થૈને ફૂટી ખડિયાની આકાશે,
જીવ પલળતો અંદર અંદર શમણાની હળવાશે.

લયની ડોલી લૈને મનજી હળવે હાલ્યા જાય,
પગલે પગલે અજવાળું થૈ ઈશ્વરજી ફેલાય.


0 comments


Leave comment