19 - મત્સ્ય તો જળમાં હતાં તે આટલું જીવી ગયાં / શરાફ ડબાવાલા


મત્સ્ય તો જળમાં હતાં તે આટલું જીવી ગયાં,
જળ તો વાદળાંમાં હતાં તે આટલું જીવી ગયાં

મન સમયની સાથે દોડે ને બધું ભૂલી જતું;
નામ કાગળમાં હતાં તે આટલું જીવી ગયાં.

તાજગી ને રંગના ઇતિહાસમાં લખજો જરા;
પુષ્પ ઝાકળમાં હતાં તે આટલું જીવી ગયાં.

ધૂળ પર પગલાં પડ્યાં ને એ બધાં ભૂંસાઈ ગ્યાં;
પગ તો સાંકળમાં હતા તે આટલું જીવી ગયાં.

આ પ્રતીતિના નગરમાં આપણું તો શું ગજું !
આપણે છળમાં હતાં તે આટલું જીવી ગયાં.


0 comments


Leave comment