8 - મૂળથી ઊંચે વિકસવા આ જનમ લીધો હતો / અશરફ ડબાવાલા


મૂળથી ઊંચે વિકસવા આ જનમ લીધો હતો,
પાંદડાંની જેમ ખરવા આ જનમ લીધો હતો.

તેં મને પૂર્યો સમયમાં અંત ને આરંભ દૈ;
મેં ક્ષણોને પાર કરવા આ જનમ લીધો હતો.

તું મને એક ઝાંઝવું સમજે કે સમજે વાદળું;
આંગણે તારે વરસવા આ જનમ લીધો હતો.

મોરપીછું થૈને માથે શોભાવું કોને હતું ?
વાંસળી થૈને વગડવા આ જનમ લીધો હતો.

આમ ના બાંધો મને કાગળના કોરા કાળજે;
અક્ષરો થૈને ઊઘડવા આ જનમ લીધો હતો.

તું મને ના શોધજે ભીનાશના ઇતિહાસમાં;
ઓસમાં છાનાં પલળવા આ જનમ લીધો હતો.

આખી દુનિયાને હરાવી એ હવે પસ્તાય છે;
જેણે ખુદના મનથી લડવા આ જનમ લીધો હતો

ભેદ ના પામી શક્યો અંધાર કે અજવાસનો;
સાંજનું ટાણું સમજવા આ જનમ લીધો હતો.

તું ભલે ને મોક્ષ પાછળ ફર હવે જન્મોજનમ;
મેં તને રસ્તે જ મળવા આ જનમ લીધો હતો.


0 comments


Leave comment