64 - આ દ્રશ્ય ઝળહળ્યું છે પડદાની કઈ તરફ ? / અશરફ ડબાવાલા
આ દ્રશ્ય ઝળહળ્યું છે પડદાની કઈ તરફ ?
એ ભાન ક્યાં છે હું છું ભ્રમણાની કઈ તરફ ?
માળા ફરે છે તોય પણ દેખાતો એ નથી;
બેઠો છે કોણ જાણે એ મણકાની કઈ તરફ ?
અસ્સલ હતો તે સાદ તો ક્યાંયે સરી ગયો;
શોધું તો એને શોધું પડઘાની કઈ તરફ ?
આગળ બિચારી અટકળો, પાછળ છે કારણો;
મનને રમાડું બોલો ઘટનાની કઈ તરફ ?
આંખોમાં એ વસ્યા તે છાનું ના રહી શકે;
સૂરજને હું સંતાડું તડકાની કઈ તરફ ?
રાધા કે મીરાં હોય જે એને ખબર પડે,
છે વાંસળીના સૂરો જમનાની કઈ તરફ ?
સરનામું તારું પૂછતાં થાકી ગયો છું હું,
તું ખુદ કહે કે છો તું શમણાની કઈ તરફ ?
0 comments
Leave comment