45 - કાંઠે બધા ડર્યા અને હલચલ મચી ગઈ / અશરફ ડબાવાલા
કાંઠે બધા ડર્યા અને હલચલ મચી ગઈ,
મારી બધીય નૌકા સાગરને તરી ગઈ.
મૂર્છિત થયેલા અવસરો પણ આંખ ખોલશે;
આંગણને એક એવી જડીબુટ્ટી મળી ગઈ.
આખોય દરિયો ફીણમાં પલટાવી નાખવા,
સાબુની ગોટી એકલી મેદાને પડી ગઈ.
પાછળ પડ્યા’તા છંદના મૂર્ધન્યો, એટલે –
લયની ટણક આ ટોળી ઝાંઝરને ટપી ગઈ.
મેં તો ગઝલની જેવું કંઈ પણ લખ્યું નથી;
આ તો ઉદાસી મારી તોફાને ચડી ગઈ.
0 comments
Leave comment