10 - મંદિરમાં તારે તો છે ઝાલર ભયો ભયો / અશરફ ડબાવાલા
મંદિરમાં તારે તો છે ઝાલર ભયો ભયો,
માણસ છું, મને થોડો આદર ભયો ભયો.
જે તારી પાસે છે તે દરિયાને શું કરું ?
ઘર આંગણે જો હો તો ગાગર ભયો ભયો.
જણ જીવતાને ઓછા પડતા હતા મલક;
ને પાળિયાને માટે પાદર ભયો ભયો.
જે પર થયા છે પળથી ને આભને અડે;
પળમાં રહ્યા છે તેણે ટાવર ભયો ભયો.
હું વસ્ત્રપરિધાન આ હવાથી શું કરું ?
મારે તો શ્વાસની છે ચાદર ભયો ભયો
ગ્રંથો ને પોથીઓમાં ભલે સાક્ષરો રહે;
અક્ષર છું, મને કાનો કે માતર ભયો ભયો.
અનહદનો નાદ અમને મળે તો ભલે મળે;
છે ત્યાં સુધી તો અમને ઝાંઝર ભયો ભયો.
0 comments
Leave comment