58 - બરાબર મારા બરની તેં મને પરછાઈ આપી છે / અશરફ ડબાવાલા
બરાબર મારા બરની તેં મને પરછાઈ આપી છે,
અને એણે બધી વાતે મને સરસાઈ આપી છે.
ભરમ એને થયો છે માથે આખો વડ ઉપાડ્યાનો;
અડોઅડ થડને આ કેવી તમે વડવાઈ આપી છે.
એ કાલે પાંપણો પાછળ સરોવર જેમ છલકાશે;
કમળની પાંદડી જેણે તને શરમાઈ આપી છે.
બધાનું ધ્યાન મંડાયું છે જેના પર સતત આજે,
તમે એ બંધ મુઠ્ઠીમાં મને તન્હાઈ આપી છે.
અમે ના ‘આવજો’ પણ કહી શક્યા જે હાથથી તમને,
ગઝલનું નામ દઈ એને તમે શરણાઈ આપી છે.
0 comments
Leave comment