56 - સવારે સૂર્ય સામે જે પ્રલયની વારતા માંડે / અશરફ ડબાવાલા
સવારે સૂર્ય સામે જે પ્રલયની વારતા માંડે,
એ રાતે ફૂલ પાસે જઈ હ્રદય ની વારતા માંડે.
ઘણા ચાલે સમયસર ને સમયને ફેરવી નાખે;
ઘણાં એવાય છે જેઓ સમયની વારતા માંડે.
નથી ને જાણતા જળ ને કે જળની કોઈ પીડાને,
ઉછાળી કાંકરી તેઓ વલયની વારતા માંડે,
જે તારા હાથના દરિયામાં ઊંડે જઈ નથી શકતા;
કિનારે પગ ઝબોળી એ પ્રણયની વારતા માંડે.
હજી આ યાદનું બાળક સતત રાતેય જાગે છે;
કહો અંધારને કોઈ ઉદયની વારતા માંડે.
0 comments
Leave comment