71 - હે રામ ! મારા વળગણની વાત કેમ કરવી ? / અશરફ ડબાવાલા


હે રામ ! મારા વળગણની વાત કેમ કરવી ?

ઝાડવાંની જેવું કાંઈક શમણે આવ્યું ને
વેલ થઈને વીંટાણી છે પાંપણો;
માયા ને મનની વચાળે છે હરખ
એને સેતુ ગણો કે ગણો તાંતણો;
જળની વાતુંને તો કાંઠોય હોય,
નદી નેજવાંની કેમ કરી તરવી ?
..... હે રામ !

કૂંપળની જેમ રોજ ફૂટ્યા કરું ને
થાય અંદર ઊગ્યો છે એક વડલો;
હું તો વેરતી જાઉં એક ચપટીની જેમ
અને ભેગી કરું તો થાઉં ઢગલો;
મારે હથેળીમાં સુક્કી છે વાવ
એને ખોબે ખોબેથી કેમ ભરવી ?
..... હે રામ !


0 comments


Leave comment