59 - હું તો મારી તરસ લઈને જાતો હતો, એણે માર્યો મને ઝાંઝવે ઝાંઝવે / અશરફ ડબાવાલા


હું તો મારી તરસ લઈને જાતો હતો, એણે માર્યો મને ઝાંઝવે ઝાંઝવે,
એની ફરિયાદે ક્યાં જઈને કરવી હવે, એનાં ગીતો બધે માંડવે માંડવે.

મારા જીવતરની ચાદર મેં વેચી દીધી, મૃત્યુ પાણીના ભાવે જ લઈને ગયું;
શ્વાસે શ્વાસે વણી’તી મેં ચાદર અને ભાત પાડી હતી તાંતણે તાંતણે.

એક આકાર આપીને જંપ્યો નહિ, હર પ્રસંગે મને એ બદલતો રહ્યો;
ખૂબ વલખાં મેં માર્યા છટકવાનાં તોય મને ઘડતો રહ્યો ટાંકણે ટાંકણે.

આવી ઘટનાને અવસર પણ કહેવો કે નહિ એની અટકળમાં રાત પછી ઢળતી રહી;
મને સપનાની ડાળથી તોડી હવે એણે શણગાર્યો છે પાંપણે પાંપણે.

તેં જ સગપણ ને ઈચ્છાઓ આપી પછી માણસ બધાને બનાવી દીધા;
તારી લીલાનો પરચો છે, નહિતર અહીં સંત જન્મ્યા હતા પારણે પારણે.


0 comments


Leave comment