38 - કાગળ ને કલમ લઈને લડવાની વાત છે / અશરફ ડબાવાલા
કાગળ ને કલમ લઈને લડવાની વાત છે,
ખંજરના જખ્મો લયથી ભરવાની વાત છે.
ગુલમોર વિષે આજે નાહક પ્રચાર કર મા;
લોકોના મોઢે પર્ણો ખરવાની વાત છે.
જન્મોથી લાગી છે તે માયાના મૂળમાં –
એકાદી પળની સાથે રમવાની વાત છે.
મૃત્યુથી ડરવા જેવું બીજું તો શું હશે !
હાથોથી એનો પાલવ સરવાની વાત છે.
તર્કોમાં હું માનું કે માનું ચમત્કારમાં,
અંતે તો મારા ખોટા પડવાની વાત છે.
0 comments
Leave comment