15 - વગડતે ઢોલ ને ઊભી બજારે સહી કરી દીધી / અશરફ ડબાવાલા
વગડતે ઢોલ ને ઊભી બજારે સહી કરી દીધી,
જખમના લાગની નીચે કટારે સહી કરી દીધી.
મને સપનાંએ ભેગાં થઈ મનાવ્યો જીવવા માટે,
ઘણી મેં ના ભણી રાતે, સવારે સહી કરી દીધી.
ગઝલ લખવાની મેં જયારે રજા સંકોચથી માગી,
કળાએ સ્મિત વેર્યું ને વિચારે સહી કરી દીધી.
મેં જેવો શ્વાસ છોડ્યો ને બધુંયે થઈ ગયું થાળે;
હવાએ ભીનું સંકેલ્યું, મઝારે સહી કરી દીધી.
તમે લઈ પ્રેમનો ખરડો ફર્યા’તા ગામ આખામાં;
અભણ એક જ હતો અશરફ, હજારે સહી કરી દીધી.
0 comments
Leave comment