53 - મૌન રે’વા મથે ટેરવું કેટલું ? / અશરફ ડબાવાલા
મૌન રે’વા મથે ટેરવું કેટલું ?
હોઠને હું કહો ! છેતરું કેટલું ?
વેઠ આપી દે અમને હિસાબે હવે,
પોઠ લૈને અહીં બેસવું કેટલું ?
તું મને કાં રમતમાં ઉતાર્યા કરે ?
દાવ હાર્યા પછી ખેલવું કેટલું ?
ઢાળને પણ જણાવો જરા પાયજી,
આપનાથી થશે વૈતરું કેટલું ?
એક મીંડાએ મૂકી છે માજા જુઓ,
એને કરવા શતક કેળવું કેટલું ?
દર્દ સહિયારું છે, તું ન ગણજે કદી,
આપણું કેટલું ? એમનું કેટલું ?
બે કદમ ચાલવાની ઇજાજત મળે,
એક જગાનું શરણ વેઠવું કેટલું ?
સાદ આપી વધારે તું પરવશ ન કર,
મારે તારું ઇજન ઠેલવું કેટલું ?
રાતભર જે લગોલગ હતું આપણી,
એ સવારે હતું વેગળું કેટલું ?
0 comments
Leave comment