46 - સાચા તારા સ્વરૂપને વરતી લે ત્યાં સુધી / અશરફ ડબાવાલા
સાચા તારા સ્વરૂપને વરતી લે ત્યાં સુધી,
દર્પણની સાથે માથું પટકી લે ત્યાં સુધી.
હે મત્સ્ય ! તારા અંજળની હદ છે એટલી;
જળને તું છોડી જા તો તડપી લે ત્યાં સુધી.
મૃત્યુ તો કિરણ થઈને પાંપણને અડકશે;
આંખોમાં સપનાં લૈને ભટકી લે ત્યાં સુધી.
સોંસરવો એના ઘરનો મારગ પણ આવશે;
ડગલે ને પગલે થોડું અટકી લે ત્યાં સુધી.
આજે તો તારા ડંકા વગડે છે દેશમાં;
આરોપ હતા શૂળીએ લટકી લે ત્યાં સુધી.
0 comments
Leave comment