55 - શબ્દથી જો સાંકળો તો ખખડાવ તો સાચો કહું / અશરફ ડબાવાલા


શબ્દથી જો સાંકળો તો ખખડાવ તો સાચો કહું,
ને કલમથી બારણાં ખોલાવ તો સાચો કહું.

પાંપણો પર અંધકારે સ્વપ્ન તો લઈ સૌ ફરે;
ક્યાંક ઊંડે જ્યોત તું પ્રકટાવ તો સાચો કહું.

સર્વ ત્યાગીને હિમાલય પર જવાનું છે સરળ;
રોજના મેદાનમાં જો આવ તો સાચો કહું.

તું મદારી જેમ ના છેતરે ઘડીભર આંખને;
મૂળમાં જઈ જીવને ભરમાવ તો સાચો કહું.

આ બધાં મોઘમ ઇશારાને ને વિનવણી વ્યર્થ છે;
તુ સમયને રોકડું પરખાવ તો સાચો કહું.


0 comments


Leave comment