11 - તું ટકોરા અવગણે ને આંગળાં છાપે ચડે / અશરફ ડબાવાલા
તું ટકોરા અવગણે ને આંગળાં છાપે ચડે,
ખાતરી ખોટી પડે ને ધારણા છાપે ચડે.
લાગણી ખૂટી તો ચર્ચાયું છે લોહી ચોકમાં;
સાપ તો સરકી ગયા, પણ રાફડા છાપે ચડે.
એક ગઢવી વારતાને ગઢ ગણીને જીવતો;
વારતા લંબાઈ ગૈ ને ડાયરા છાપે ચડે.
આખું જીવન સાવધાનીથી ભલે પગલાં ભરો;
એક પળ ચૂકી જવામાં આયખાં છાપે ચડે.
સ્મિત કરવાનું કર્યું કાવતરું કોણે બાગમાં ?
ફૂલને ખુશબોની સાથે વાયરા છાપે ચડે.
સળવળે મનમાં કશું ને આંખ આંખે થૈ જતી;
ઘર મહીં ઘટના બને ને બારણાં છાપે ચડે.
ઝાડ પાસેથી તમે પણ સાચવીને ચાલજો;
મામલા બીચકે તરસના, છાંયડા છાપે ચડે.
0 comments
Leave comment