51 - પ્રેમ જેવું શું હશે એ ધારવાની છે મજા / અશરફ ડબાવાલા
પ્રેમ જેવું શું હશે એ ધારવાની છે મજા,
ને પછી એથી વધારે પામવાની છે મજા.
સૂર્ય થાવાની નથી અમને લગન કે લાલસા;
એક બે ક્ષણ છાંયડામાં ગાળવાની છે મજા.
રાતરાણીની સમી યાદોની ચાદર પાથરી,
રાતની ફૂટપાથ પર આ જાગવાની છે મજા.
એ મળે તો કોણ જાણે શું થવાનું આપણું ?
જે મળે કે ના મળે, પણ માગવાની છે મજા.
જ્યાં સુધી એની તને પણ વેદના થાતી હશે,
ત્યાં સુધી આ ઘાવને પંપાળવાની છે મજા.
હોય મન અકબંધ કે તૂટેલ, એનો રંગ છે,
તૂટવાની બાદ પાછું જોડવાની છે મજા.
ભીતરે અવસર સમું ને બારણે ઓવારણાં;
તોરણોથી નેજવાં શણગારવાની છે મજા.
0 comments
Leave comment