50 - બારણું ખખડાવ તો ભારે પડી / અશરફ ડબાવાલા


બારણું ખખડાવ તો ભારે પડી,
સાદ દઈ લલચાવ તો ભારે પડી.

જોઉં છું હું વાટ તારી તે છતાં,
તું હવે જો આવ તો ભારે પડી.

થૈ જવું કુરબાન એના હાથથી;
જીવ થૈ સચવાવ તો ભારે પડી.

મન મનાવી કેમ હું બેઠો છું એ;
તું મને સમજાવ તો ભારે પડી.

પ્યાસની સરખામણી કરજો ભલે;
ઝાંઝવાં સરખાવ તો ભારે પડી.

તારી લગ છો ને ના પહોંચું, પણ મને –
ઉંબરે અટકાવ તો ભારે પડી.

ધૂંધળા તારા સ્વરૂપે લીન છું,
વેશ તું પલટાવ તો ભારે પડી.


0 comments


Leave comment