79 - સાનિધ્ય – સમજ / અશરફ ડબાવાલા


મારે કોઈ ન જુએ તેમ,
છીપમાં મૂંઝારે મરવું છે.
ભલે, હું છીપમાં છેલ્લા શ્વાસો ભરતો હોઉં
અને
પાણીને મોતી સાચવી રાખ્યાનો
અનુભવ થતો હોય.

મારે વાસણ જેમ પડી જઈને
હાથનો દોષ નથી કાઢવો.
મારે તો સ્પર્શની નિકટતા મુઠ્ઠીમાં બીડી
બસની જેમ દૂર દૂર નીકળી જવું છે.

મારે કાળજીથી કરેલા સરનામા જેમ
ઊકલી જઈને સાર્થકતા નથી અનુભવવી.
મારે તો પત્રમાં ન લખી શકાયેલ બાબત જેમ
આમતેમ ગૂંચવાવું છે.

હે મારા નિ:શ્વાસો!
પાણીને ખબર ન પડવા દેશો કે
મારે કોઈ ન જુએ તેમ
છીપમાં મૂંઝારે મરવું છે.


0 comments


Leave comment