48 - તોફાની આ સમયને રમાડીને જોઈ લે / અશરફ ડબાવાલા
તોફાની આ સમયને રમાડીને જોઈ લે,
એક એક ક્ષણને ઊંચકી ઉછાળીને જોઈ લે.
એ શક્ય છે કે માણસ પણ જીવતો મળે;
તું તારી લાગણીને હઠાવીને જોઈ લે.
એકાદ ડૂસકું તારું તો હળવુંય થઈ શકે;
પિંજરને ખોલી પક્ષી ઉડાડીને જોઈ લે.
શમણા ને જાગરણમાં પછી ભેદ કંઈ નથી;
સૂતેલી એક ઈચ્છા જગાડીને જોઈ લે.
આ મારા લોહીમાં તો બસ નામ છે તારું;
તું ન્હોર હવે તારા ભરાવીને જોઈ લે.
0 comments
Leave comment