14 - જેની સામે સાત સૂરજ સામટા પાણી ભરે / અશરફ ડબાવાલા


જેની સામે સાત સૂરજ સામટા પાણી ભરે,
એને લાગે એની પાસે આયના પાણી ભરે.

આંગળીને મન અને ઈચ્છા વડે સમજાવ ના;
ત્યાં ગણતરી ને બધાયે દાખલા પાણી ભરે.

તૃપ્તિ છે કે છે તરસ એની હવે કોને પડી !
પ્રેમ છે, આ પ્રેમ પાસે વાદળાં પાણી ભરે.

સ્મિત સાથે પાંપણો જયારે ઢળેલી હોય છે;
એની પાસે જંગલોના છાંયડા પાણી ભરે.

જીવને દૈ કલ્પનાઓ, આંખ સપનાં ને સ્મરણ,
તેં રચ્યો એવો ભરમ કે ઝાંઝવા પાણી ભરે.


0 comments


Leave comment