90 - આનંદ – સમાધિ / અશરફ ડબાવાલા


અરે ! માઈબાપ !
આ હું એકાએક
તમે ‘result oriented’
વાતું કરવા માંઇડા છો ?
જરાક process હામું તો જુઓ !
મેં આ processમાં
ઝીણું જીવડુંયે મરવા નથી દીધું
ને એક તણખલાનેય
ઓછું આવવા નથી દીધું.
મારી વા’લી વિદ્યા (દુઃખી ન થવાની) ના
સોગન ખાઈને કહું છું કે
આ process
મેં રગેરગમાં enjoy કરી છે.
ને ભલા માણસ ! તમે ક્યો છો,
“ઈ હંધુંય હાચું,
પણ છેવટમાં હું થ્યું
એની કર ને !
એક ઝીણું જીવડુંય મરવા નો દીધું
એમાં કઈ મોટી મોથ મારી ?
તણખલાનેય ઓછું નો આવવા દીધું
એમ ક્યો ઈડરિયો ગઢ જિતાઈ ગ્યો ?”
પણ હાચું કઉં છું માઈબાપ !
મોટી મોથ મારી હોત
કે ઈડરિયો ગઢ જીત્યો હોતને
તોય મારા જીવને
એટલી ટાઢક નો થાત
જેટલી આજે થઈ છે.
ને એમાં માથેથી તમે ક્યો છો,
“જો ભાઈ !
અમે આંયાં હજામત કરવા નથી બેઠા,
ઇતિહાસમાં લખવા બેઠા છીએ ઇતિહાસમાં !
ઇતિહાસમાં લખાય કોણે રાજ કર્યું ?
ઇતિહાસમાં લખાય કોણે ચડાઈ કરી ?
ઇતિહાસમાં લખાય કોણે સંધિ કરી ?
ઇતિહાસમાં લખાય કોણે શું બંધાવ્યું ?
ઇતિહાસમાં લખાય કોણે શું તોડ્યું ?
કાલ સવારે
આ હંધુંય...
છોકરાંવ ભણશે,
પરીક્ષાયું પાસ કરવા
અડધી રાતે ઊઠીને ગોખશે
નિબંધો લખશે
ને ખાલી જગ્યાઉં ભરશે.
હવે તું જ એનો જવાબ દે,
આમાં તારી processનો
કોણ ધડો કરશે ?
મારું માન
ને તારી રગેરગને હમજાવ
કે દળી દળીને ઢાંકણીમાં થાય
તંયે રાજી નો થવાય,
પણ રાતે પાણીએ રોવાય રાતે પાણીએ”

બસ ! બસ !
હવે બસ કરો માઈબાપ !
તમે ભલા ને તમારી શિખામણ ભલી !
તમતમારે લખ્યે રાખો ઇતિહાસ !
પોતપોતાનું ગૂમડું ખણતા હતા
એ હંધાયનાં
મૂકો બાવલાં બાગમાં.
કરો કલ્યાણ આવતી પેઢિયુંનાં.
ને બાપલા !
પાથરો અજવાળાં આવતી સદિયુંની ઉપર.


0 comments


Leave comment