6 - આ જીવ હળી ગ્યો કાયાથી લ્યો રામ બોલો ભાઈ રામ / અશરફ ડબાવાલા
આ જીવ હળી ગ્યો કાયાથી લ્યો રામ બોલો ભાઈ રામ,
આ મનડું બીતું માયાથી લ્યો રામ બોલો ભાઈ રામ.
મોટો એક ઉપાડો લૈને ફોરમ ફોરમ કરતા’તા;
ને રાજી થૈ ગ્યા ફાયાથી લ્યો રામ બોલો ભાઈ રામ.
પોતાને સંતાડી માણસ સૂરજવેશે ફરતો’તો;
પણ ભેદ ખૂલી ગ્યો છાયાથી લ્યો રામ બોલો ભાઈ રામ.
પલકારામાં એક છલાંગે ગઢની રાંગે જે બેઠા;
એ અંદર તૂટ્યા પાયાથી લ્યો રામ બોલો ભાઈ રામ.
જીવનના અંધારે ખોયું મોતી શોધું છેવટમાં;
આ મૃત્યુના મેરાયાથી લ્યો રામ બોલો ભાઈ રામ.
0 comments
Leave comment