7 - બોર મેં ચાખ્યાં હતા એ ક્યાં ગયાં ? / અશરફ ડબાવાલા
બોર મેં ચાખ્યાં હતા એ ક્યાં ગયાં ?
રામ પણ આવ્યા હતા એ ક્યાં ગયાં ?
હું મને સંબોધી પણ શકતો નથી;
નામ તેં આપ્યાં હતા એ ક્યાં ગયાં ?
છે ઠસોઠસ ફૂલથી આ ગામ, પણ –
બીજ મેં વાવ્યાં હતા એ ક્યાં ગયાં ?
મંજિલે ચકલુંય ના ફરકે જુઓ;
દોડમાં ફાવ્યા હતા એ ક્યાં ગયાં ?
એક ડૂમાને જ એની જાણ છે;
પૂર જે વાળ્યાં હતા એ ક્યાં ગયાં ?
કોઈ સીધું ઓરડા અંદર ધસ્યું,
બારણાં વાસ્યાં હતા એ ક્યાં ગયાં ?
ફૂંક છો ને જૈ હવામાં ઓગળી;
વાંસ તો વાગ્યા હતા એ ક્યાં ગયાં ?
હું સવારે માંડ પહોંચ્યો દ્વાર પર;
રાતભર જાગ્યા હતા એ ક્યાં ગયાં ?
બુદ્ધને પણ ક્યાં ખબર એની પડી;
ઘર તજી ચાલ્યા હતા એ ક્યાં ગયાં ?
0 comments
Leave comment