37 - આજે વિચારો યાદથી આગળ જતા રહ્યા / અશરફ ડબાવાલા
આજે વિચારો યાદથી આગળ જતા રહ્યા,
ઝાંઝર લઈને નાદથી આગળ જતા રહ્યા.
મતભેદ પણ ફરિયાદથી આગળ જતા રહ્યા,
ઝઘડા બધા સંવાદથી આગળ જતા રહ્યા.
ભીની થયેલી આંખો તો નીંદર સુધી ગઈ;
શમણાં બધાં વરસાદથી આગળ જતા રહ્યા.
એને ફરી બોલાવવાની તક મળી, અને –
સંશય અમારા સાદથી આગળ જતા રહ્યા.
હું તો સભાની ટોચ પર બેસી રહ્યો, જુઓ;
ને મારા શેરો દાદથી આગળ જતા રહ્યા.
0 comments
Leave comment