28 - હતું ક્યાં તને આંબવાનું પ્રયોજન / અશરફ ડબાવાલા


હતું ક્યાં તને આંબવાનું પ્રયોજન,
હતું મન ભરી ચાલવાનું પ્રયોજન.

ફકત માપદંડોને વળગી રહ્યો છું,
નથી કાંઈ પણ તાગવાનું પ્રયોજન.

અજાણ્યા આ રસ્તે ભટકતાં ભટકતાં,
તને ઠેશમાં પામવાનું પ્રયોજન.

અમારે ને ટહુકાને શું લાગેવળગે ?
છતાં મોરને પાળવાનું પ્રયોજન.

વિજય કે પરાજયને નક્કી કરીને,
રમતમાં તને રાખવાનું પ્રયોજન.

પડું હર કદમ પર હું ખોટો છતાંયે,
સતત માન્યતા બાંધવાનું પ્રયોજન.

જગત આખું મુઠ્ઠીમાં રાખી કરું છું,
હવે જાતને શોધવાનું પ્રયોજન.


0 comments


Leave comment