20 - હામ જેવી હામને સાંકળથી ઝાલી રાખ મા / અશરફ ડબાવાલા


હામ જેવી હામને સાંકળથી ઝાલી રાખ મા,
હોડ કે હોડીને તું અટકળથી ઝાલી રાખ મા.

આંખની ભીનાશમાંથી મેલ છુટ્ટું હેતને;
જીવ નખશિખ જીવને ઝાકળથી ઝાલી રાખ મા.

શબ્દના આ પિંજરેથી નીકળીને ઊડ તું;
આભને તું શાહી કે કાગળથી ઝાલી રાખ મા.

તું જ છો વરસાદ, ચોમાસું જ તારું નામ છે;
જાતના મલ્હારને વાદળથી ઝાલી રાખ મા.

કોઈ પળને ધારણાની વાતથી ના બાંધ તું;
આજ અથવા કાલને આગળથી ઝાલી રાખ મા.


0 comments


Leave comment