49 - સફરજનની મીઠી ફસલ આવશે / અશરફ ડબાવાલા


સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.

વિચારો વટાવીને આગળ જજો;
ન કાપી શકો એ મજલ આવશે.

નમાવે જો મસ્તક તું કાગળ ઉપર,
શબદના લિબાસે કતલ આવશે.

સમાધિમાં ઊંડે ને ઊંડે જશું,
પછી કોઈ આંખો તરલ આવશે.

કદી સાચનો કિલ્લો તોડી જવા
ધરમની ધજાની નકલ આવશે.

સજા ને ક્ષમાની વચોવચ હશું;
ને ઇન્સાફ તારી અદલ આવશે.

આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા,
મરણ આવશે તે અટલ આવશે.


0 comments


Leave comment