63 - જીવનના ભાસ પાસે ખંડણી ઉઘરાવ મા / અશરફ ડબાવાલા
જીવનના ભાસ પાસે ખંડણી ઉઘરાવ મા,
તું બચેલા શ્વાસ પાસે ખંડણી ઉઘરાવ મા.
અંશ તારો છું તો મારી આબરૂ પણ રાખજે;
સૂર્ય થૈ અજવાસ પાસે ખંડણી ઉઘરાવ મા.
નામ સંબંધોનું દૈને લાગણીના વેશમાં,
સાથ કે સહવાસ પાસે ખંડણી ઉઘરાવ મા.
જિંદગીમાં જે થવું’તું તે થયો’તો એ બદલ,
આમ તું ઈતિહાસ પાસે ખંડણી ઉઘરાવ મા.
મહેરબાની કર હવે આકાર કે આધાર થૈ,
તૂટતા વિશ્વાસ પાસે ખંડણી ઉઘરાવ મા.
છે સુગંધોનો ખજાનો ક્યાંક તારા ભીતરે;
પુષ્પના વિન્યાસ પાસે ખંડણી ઉઘરાવ મા.
છું હયાતીથી હણાયેલો પરાજિત માનવી,
આ મરણના દાસ પાસે ખંડણી ઉઘરાવ મા.
0 comments
Leave comment