52 - પાંપણમાં પલકારે જીવ્યા / અશરફ ડબાવાલા
પાંપણમાં પલકારે જીવ્યા,
કિરણોના અણસારે જીવ્યા.
આગ અને અંગારે જીવ્યા,
શાયરના અવતારે જીવ્યા.
જીવ નિરકારે દીધો, પણ –
ચોક્કસ એક આકારે જીવ્યા.
વાણીના વૈભવની વચ્ચે,
ખામોશીની ધારે જીવ્યા.
મોતી કે મરજીવા જેવું,
સાગરના સથવારે જીવ્યા.
ઠોસ સબૂતો ખૂટ્યા ત્યારે
શ્રધ્ધાના આધારે જીવ્યા.
અંધારાથી પળભર છટકી,
વીજળીના ઝબકારે જીવ્યા.
સંકેતો તેં આપ્યા એવા,
અટકળની વણજારે જીવ્યા.
મંજિલના શમણેથી જાગી,
પગલાંમાં પગથારે જીવ્યા.
0 comments
Leave comment