13 - મન મહીં ઊઠતાં વમળ એ અંગ પર જાદૂ કરે / અશરફ ડબાવાલા
મન મહીં ઊઠતાં વમળ એ અંગ પર જાદૂ કરે,
અંગ ભીતરને ચડેલા રંગ પર જાદૂ કરે.
તું કૃપા મારા ઉપર કરજે તો કરજે એટલી,
દ્રશ્ય એવું આપજે કે અંધ પર જાદૂ કરે.
આ સફરમાં ચાલનારાં હાર માને એ પછી;
પગ વગરના ઓલિયાઓ પંથ પર જાદૂ કરે.
ફૂલ છેલ્લા દમ ભરે છે ધૂળની સાથે અને –
એક નાનકડી લહેરખી ગંધ પર જાદૂ કરે.
લાવ ચોસઠ જોગણી સમ લાગણીઓ ટેરવે,
જે કરે કામણ શબદને, છંદ પર જાદૂ કરે.
0 comments
Leave comment