74 - પ્રેમ પદારથ ઘોળો સંતો ! પ્રેમ પદારથ ઘોળો / અશરફ ડબાવાલા


પ્રેમ પદારથ ઘોળો સંતો ! પ્રેમ પદારથ ઘોળો,
વખને કોરે મેલી સંતો ! પ્રેમ પદારથ ઘોળો.

સૂરજને લઈ ચાલી નીકળી સાંજ સીમની કોર,
ભીતર થાતો પંખી જેવાં શમણાંનો કલશોર;
થાકેલા શ્વાસોને હળવે પાંપણથી ઢંઢોળો.
..... પ્રેમ પદારથ.....

મનની ફરતે માયા, મનને શણગારો તો કેમ ?
હરિએ દીધી કાયા કાંડા ફરતે કંકણ જેમ;
ઓછપ ને ઈચ્છાની વચમાં ક્યાંક જીવને ઢોળો.
..... પ્રેમ પદારથ.....


0 comments


Leave comment