24 - નથી જે કથન કે કથાથી મરાયો / અશરફ ડબાવાલા
નથી જે કથન કે કથાથી મરાયો,
એ બીડેલા હોઠે દગાથી મરાયો.
ને આરોપ શબ્દો ઉપર આવવાનો;
હું કાગળની કોરી ધજાથી મરાયો.
સમર્પ્યા મેં શ્વાસોને તારા ચરણમાં;
બધાં એમ સમજે સજાથી મરાયો.
ઉપેક્ષામાં જીવી ગયાં છે એ જીવન;
અને હું જતનની કળાથી મરાયો.
અડીખમ રહ્યો’તો જે એકલતા સામે;
એ શાયર બિચારો સભાથી મરાયો.
0 comments
Leave comment