0 - જો સરું ઊંડે તો તું તળથી સલામી આપજે/ અશરફ ડબાવાલા
જો સરું ઊંડે તો તું તળથી સલામી આપજે,
ને જો માંગુ ચાલવા તો તું સપાટી આપજે.
તો પછી ઇલ્જામ કોઈની ઉપર ના આવશે;
અવદશા જો આપ તો કારણ વિનાની આપજે.
એક શમણામાં વિસર્જિત થઈ ગઈ સમજણ બધી;
તું જ ઢંઢોળી, અલખ જેવું જગાડી આપજે.
મુક્તિ આપીને વિમુખ થાવાની ના કર યોજના;
એના કરતાં તો મને તારી ગુલામી આપજે.
હું વસંતો લઈને મારા મન સુધી પહોંચું પ્રથમ;
વાંસળી ને વન પછી બન્ને વગાડી આપજે.
શગની હત્યાનું પગેરું ક્યાંય પણ મળતું નથી;
તું તો અજવાળું હતો, સાચી જુબાની આપજે.
મૌનના સાતેય કોઠા ભેદી જો આવી શકું;
મીર, મીરાં યા તો ગાલિબ કે કલાપી આપજે.
0 comments
Leave comment